થ્રીલર લવસ્ટોરી ધરાવતી ગુજરાતી ફિલ્મ ‘મૌનમ’નું ટીઝર રજુ થઇ ગયું છે. લગભગ સવા મીનીટના ટીઝર પરથી ફિલ્મ વિષે વાત કરીએ તો ટીઝરની શરૂઆત થાય છે લવસ્ટોરીથી. રાઘવ અને મીરાં એકબીજાના પ્રેમમાં છે. હસતા રમતા પ્રેમી પંખીડાને એક અકસ્માત નડે છે જેને કારણે તેમને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને શરુ થાય છે થ્રિલ રાઈડ, જે આપણે ટીઝરમાં જોઈ શકીએ છીએ. ટીઝર એટલું ફાસ્ટ કટથી એડિટ કરવામાં આવ્યું છે જેને કારણે ખરેખર ફિલ્મની સ્ટોરી શું હશે તે જલ્દી ખબર નહિ પડે, પરંતુ પોસ્ટર અને ટીઝર જોતા એવું લાગી રહ્યું છે કે મોટાભાગની સ્ટોરી હોસ્પિટલની આસપાસ વધારે રહેશે. કેમકે ઘટનાઓ વધારે ત્યાં જ બની રહી છે, ક્યાંકને ક્યાંક આમાં ઓર્ગનની થતી હેરફેરની વાત હશે એવું લાગી રહ્યું છે. ફિલ્મમાં ડોક્ટર ઇશાનના પાત્રમાં મૌલિક ચૌહાણ જોવા મળી રહ્યા છે જે કદાચ નેગેટીવ પાત્રમાં પણ હોઈ શકે. ટીઝરનો સૌથી સ્ટ્રોંગ ટ્વીસ્ટ છે ચેતન દૈયા. આ કલાકારને ગમે તે રોલ મળે પછી ભલે એ નાનો હોય પરંતુ તે પોતાની એક આગવી છાપ ઉભી કરી લે છે. ટીઝરમાં ઇન્વેસ્ટીગેટીવ પોલીસના પાત્રમાં ચેતનભાઈ જોવા મળી રહ્યા છે. ફિલ્મની એકઝેટ સ્ટોરી તો ટ્રેલર આવશે ત્યારે જ ખ્યાલ આવશે, પરંતુ ટીઝર પરથી ફિલ્મની પ્રોડક્શન, સિનેમેટોગ્રાફી, એડીટીંગ અને ખાસ તો બીજીએમ ઘણું સારું લાગી રહ્યા છે. આ ફિલ્મની સ્ટોરી ભાવિક ભોજકે લખી છે જે ફિલ્મમાં રાઘવના પાત્રમાં જોવા મળી રહ્યા છે અને તેમની સામે હિરોઈનના પાત્રમાં આંચલ શાહ જોવા મળી રહ્યા છે. ફિલ્મના ડીરેક્ટર રવિ સચદેવ છે, જેમની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. ઓવરઓલ ફિલ્મનું ટીઝર ઈમ્પ્રેસ કરે તેવું તો છે જ, તમે ફિલ્મનું ટીઝર જોયું તો તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવો.