આ શુક્રવારે એક પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ રજુ થઇ છે જેનું નામ છે ‘૨૧ દિવસ’. આ ફિલ્મનું પ્રમોશન ખુબ ઓછું થયું હોવાથી મોટાભાગના દર્શકોને આ ફિલ્મ વશે વધારે ખ્યાલ ન પણ હોય તેવું બને. આ ફિલ્મના શુક્રવારના મોટાભાગના શો પૂરતા ઓડીયન્સના અભાવે કેન્સલ થયેલા. આજે પણ સ્થિતિ એ જ છે, બે ત્રણ થીયેટરમાં તપાસ કર્યા બાદ ફક્ત છ પ્રેક્ષકો સાથે આ ફિલ્મ ફાઈનલી જોઈ લીધી છે. લગભગ 2 કલાકને 25 મિનીટની લંબાઈ ધરાવતી આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહિ?
ફિલ્મની સ્ટોરી વિષે આમ તો ટ્રેલર રીવ્યુમાં જે વાત કહી હતી તે પ્રમાણેની જ સ્ટોરી છે, છતાં ટૂંકમાં જણાવીએ તો ફિલ્મમાં એક એવા કુટુંબની વાત છે જેના પર આર્થિક સંકટ આવેલું છે, આ પરિવારના બે કઝીન ભાઈઓ કરણ અને અર્જુન એકબીજા સાથે હમેશા લડતા ઝઘડતા રહે છે. વિદેશથી મેઘા નામની એક છોકરી લગ્ન માટે આવે છે, તે ખુબ પૈસાદાર છે એટલે તેને પટાવવા માટે કરણ અને અર્જુન વચ્ચે હરીફાઈ જામે છે. મેઘાને ઈમ્પ્રેસ કરવા માટે બંને કેવા ગતકડા કરે છે અને આ દરમિયાન લોકડાઉન જાહેર થવાથી કેવી પરિસ્થિતિ ઉભી થાય છે, તથા છેલ્લે મેઘા બંનેમાંથી કોની સાથે લગ્ન કરે છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મની સ્ટોરીમાં ખાસ નવીનતા નથી એટલે સીધા રેટિંગની દ્રષ્ટીએ વાત કરીએ તો આ ફિલ્મને પાંચમાંથી અઢી સ્ટાર આપી શકાય. જેમાં એક સ્ટાર ફિલ્મની સ્ટારકાસ્ટ માટે આપવો જોઈએ, કેમકે દરેકે દરેક કલાકારે પોતપોતાના પાત્રને પુરતો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ તો મૌલિક, આર્જવ અને પ્રેમની ત્રિપુટી તમને વધારે ઈમ્પ્રેસ કરશે. એક સ્ટાર ફિલ્મમાં અમુક ઉભી થતી કોમિક સિચ્યુએશન માટે આપી શકાય, જેમાં ફરી એકવાર કલાકારોના કોમિક ટાઈમિંગનો ફાળો વધારે કહી શકાય. અને અડધો સ્ટાર ઓવરઓલ ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ માટે આપવો જોઈએ. એવી જ રીતે માઈનસ પોઈન્ટની વાત કરીએ તો કોમેડી ફિલ્મ હોવા છતાં ઘણી એવી સિચ્યુએશન છે જ્યાં તમને હસવું જ નહિ આવે, એટલે એક સ્ટાર નબળી સ્ટોરી અને ડાયલોગ્સ માટે કાપવો જોઈએ. લગભગ અઢી કલાકની ફિલ્મ હોવાથી તમને વચ્ચે વચ્ચે કંટાળો પણ આવી શકે તેમ હોવાથી એક સ્ટાર લંબાઈ માટે કાપવો જોઈએ અને અડધો સ્ટાર ફિલ્મના એવરેજ મ્યુઝીક માટે કાપવો જોઈએ.
ટૂંકમાં પ્રમોશનના અભાવને કારણે આ ફિલ્મ બીજા અઠવાડિયામાં ભાગ્યે જ થીયેટરમાં જોવા મળશે, એટલે જો તમે સાવ ફ્રી છો અને ખાલીને ખાલી ટાઈમપાસ માટે ગુજરાતી ફિલ્મ જોવા જવાની ઈચ્છા રાખતા હો તો આ ફિલ્મ જોઈ શકાય, જો શો અવેલેબલ હોય તો, બાકી જયારે OTT પર આ ફિલ્મ આવશે ત્યારે ચોક્કસ આ ફિલ્મ વધારે ગમશે, કેમકે OTT પર આવી ફિલ્મો વધારે જોવાતી હોય છે. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેવી લાગી તે કમેન્ટ કરી જણાવી શકો છો.