ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર પોતાની બીજી ઇનિંગથી હવે યુવા દર્શકોમાં પણ પોતાની આગવી છાપ ઉભી કરી ચુક્યા છે. ધૂંઆધાર ફિલ્મમાં પોલીસ ઇન્સ્પેક્ટર, રાડો ફિલ્મમાં મુખ્યમંત્રી અને ત્યારબાદ વશ ફિલ્મમાં સાયકો પર્સન પ્રતાપના પાત્રમાં તો તેમણે રીતસર દર્શકોને ડરાવી મુકેલા. પ્રતાપના પાત્રનો પ્રભાવ હજુ હઠ્યો ન હતો ત્યાં શુક્લાજીના પાત્રમાં આગંતુક ફિલ્મમાં જોવા મળ્યા, જેમાં તેમની બોડી લેન્ગવેજ અને ડાયલોગ્સ જો તમે ફિલ્મ જોઈ હશે તો ખુબ ગમશે.
અલગ અલગ વિષયો ધરવતી ફિલ્મોમાં હિતેનકુમાર અવનવા પાત્રોમાં જોવા મળ્યા છે એના પરથી ટૂંક સમયમાં એવું પણ બની શકે કે તેમને ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે ઓળખવામાં આવે.
હિતેનકુમાર હવે એક નવી હોરર કોમેડી ફિલ્મમાં જોવા મળવાના છે જેનું નામ છે – વેલકમ પૂર્ણિમા.
આ ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થઇ ગયું છે અને હવે હિતેનકુમારનું કેરેક્ટર પોસ્ટર રજુ કરવામાં આવ્યું છે, જેના પરથી ખ્યાલ આવે છે કે આ ફિલ્મમાં તેઓ હિંમતલાલ અંધારિયાના પાત્રમાં જોવા મળશે. પોતાના સોશિયલ મીડિયા પરથી હિતેનકુમારે હિમતલાલ અંધારિયાના લુકને રીવીલ કરવા સાથે લખ્યું છે કે આગંતુકના શુક્લાજી અચરજ પમાડે, વશનો પ્રતાપ તમને થથરાવે, ડરાવે, રડાવે, પણ આ ‘વેલકમ પૂર્ણિમા’નો હિંમતલાલ અંધારિયા તમને મોજ કરાવશે, તમારા ચેહરા પર મલકાટ લાવશે.
વેલકમ પૂર્ણિમામાં હિતેનકુમાર સાથે માનસી રાછ, હેમ સેવક, ઈથાન વાડે, ચેતન ધાનાણી, ચેતન દૈયા, બિન્દા રાવલ, મૌલિક ચૌહાણ, ભરત ઠક્કર અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે.
ફિલ્મની સ્ટોરી, ડાયલોગસ અને સ્ક્રીનપ્લે ચેતન દૈયા એ લખ્યા છે. ફિલ્મના પ્રોડ્યુસર છે ભરત સેવક અને ડીરેક્ટર છે રીશીલ જોશી. રીશીલની કદાચ આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. વેલકમ પૂર્ણિમા ફિલ્મ મે ૨૦૨૩મા થીયેટરમાં રજુ થવાની હોવાથી, ટૂંક સમયમાં જ ફિલ્મનું ઓફીશીયલ ટીઝર અને ટ્રેલર પણ જોવા મળી રહેશે.
Welcome Purnima Gujarati Movie 2023