આ વર્ષે બોક્સઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થાય તેવી ફિલ્મનું ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – બુશર્ટ ટીશર્ટ.ગુજ્જુભાઈ તરીકે ઘરે ઘરે જાણીતા સિદ્ધાર્થભાઈ અને કોકોનટ મોશન પિક્ચર્સની આ પારિવારિક ધમાલ કોમેડી ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ સર્જશે તે વાત ટ્રેલર પરથી જ કહી શકાય તેવી છે. કન્સેપ્ટ, પ્રોડક્શન વેલ્યુ, સચિન જીગરનું મ્યુઝીક અને મજબુત સ્ટારકાસ્ટ ફિલ્મને હીટ કરાવવા પૂરતા તો છે જ, પરંતુ આ બધાનો પૂરો ઉપયોગ કરનાર ડીરેક્ટર છે – સિદ્ધાર્થભાઈના પુત્ર ઇશાન રન્દેલીયા, જેમણે તેમના પપ્પા સાથે ગુજ્જુભાઈ સીરીઝની બે સુપરડુપર હીટ ફિલ્મો આપી છે.
ટ્રેલર પરથી ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તા છે ભૂપત પંડ્યા અને હર્ષ પંડ્યા નામના પિતા પુત્રની. જેવી વાર્તા ઘર ઘરની હોય છે તેવી જ વાર્તા આ ફિલ્મની છે, એટલે કે બે પેઢીની વિચારધારાનો સંઘર્ષ. ભૂપત પંડ્યા પોતાના જીવનસંઘર્ષથી જે શીખ્યા છે અને પોતે જે નથી બની શક્યા અથવા જે સપના અધૂરા રહી ગયા છે તે પોતાના પુત્ર હર્ષ દ્વારા સાકાર થાય તેવું ઈચ્છે છે. સામે હર્ષ પોતાની કાબેલિયત પર કાઈ બનીને દેખાડવા માંગે છે. ટૂંકમાં બંને એકબીજાથી હમેશા ચીડાયેલા રહે છે અને નાની નાની વાતમાં ઝઘડતા રહે છે. આ બંનેની કટકટથી હર્ષની મમ્મી ત્રાસેલી હોય છે, પરંતુ એવામાં એક ચમત્કાર થાય છે, જે ટ્રેલરમાં જોઈ જ શકાય છે. બાપની આત્મા દીકરામાં અને દીકરાની આત્મા બાપામાં આવી જાય છે. એટલે કે અદલાબદલી. હવે આવી અદલાબદલીથી શું ધમાલ થશે તેની ઝલક ટ્રેલરમાં તો જોવા મળે જ છે, પરંતુ ફિલ્મમાં જોવાની વધારે મજા આવશે.
ઇશાન રાંદેરિયા એ ડીરેક્શન સાથે આ ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે લખ્યા છે, જયારે ડાયલોગ્સ સિદ્ધાર્થભાઈએ લખ્યા છે. આ બંને બાપ દીકરાએ આના પહેલા ગુજ્જુભાઈના નાટકો પરથી બે સફળ ફિલ્મો આપી છે અને ત્રીજા ભાગની દર્શકો રાહ જોઈ રહ્યા છે. જેની જાહેરાત પણ કદાચ આ વર્ષે થઇ શકે તેમ છે. ‘બુશર્ટ-ટીશર્ટ’ ફિલ્મનો કન્સેપ્ટ સિદ્ધાર્થભાઈના વિપુલ વિઠલાણી સાથેના એક જુના નાટક પરથી જ લેવાયેલો છે જેનું નામ અત્યારે અમે તો જાહેર નહિ કરીએ, તમને યાદ હોય તો કમેન્ટ કરી શકો છો. નાટકના કન્સેપ્ટની સીમીલારીટીને બાદ કરતા ફિલ્મમાં ઘણા ફેરફાર હશે તે તો ટ્રેલર પરથી જ લાગી રહ્યું છે.
ગુજરાતી દર્શકોને પારિવારિક કોમેડી ફિલ્મો વધારે ગમતી હોય છે અને એમાં પણ સિદ્ધાર્થભાઈએ જે રીતની ફિલ્મો આપી છે તેના પરથી દર્શકો તેમના નામ પર જ ફિલ્મ જોવા પહોંચી જાય છે એટલે આ ફિલ્મ ૨૦૨૩માં બોક્સ ઓફીસ પર નંબર વન પર જ રહેશે એ વાત તો નક્કી. આ ફિલ્મ 5 મે ના રોજ થીયેટરમાં રજુ થવાની છે, જેની ટક્કર સંજય ગોરડિયા અભિનીત ફિલ્મ ‘ચાર ફેરાનું ચકડોળ’ સાથે થવાની છે. જોકે એવું લાગી રહ્યું છે કે કદાચ એ ફિલ્મની રીલીઝ ડેટ બદલાય પણ ખરી, જો એવું થાય તો બંને ફિલ્મોને ફાયદો થશે. ‘બુશર્ટ – ટીશર્ટ’ ફિલ્મનું ટ્રેલર પર્સનલી ખુબ ગમ્યું, તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો.
Bushirt T-shirt Gujarati Movie 2023