પત્ની રિસાય તો એના પિયર જાય, પણ બિચારો પતિ રિસાય તો તેને ક્યાં જવાનું? ચોરીના ચાર ફેરાને કારણે જિંદગીના ચકડોળમાં ફસાયેલા એક પતિની હાલત દર્શાવતી પારિવારિક કોમેડી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ચાર ફેરાનું ચકડોળ. આ ફિલ્મનું મોશન પોસ્ટર રજુ થઇ ગયું છે.
આ ફિલ્મમાં નાટક સમ્રાટ સંજય ગોરડિયા મુખ્ય પાત્રમાં જોવા મળવાના છે, જે પોસ્ટર જોઇને ખ્યાલ આવી જાય છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મના પ્રમોશનના ભાગ રૂપે એક પોસ્ટ કરવામાં આવેલી જેમાં લખ્યું હતું કે પત્ની રિસાય તો એના પિયર જાય, બિચારો પતિ જો રિસાઈ પત્નીના પિયર જય તો ત્યાંથી પાછો મૂકી જાય. ટૂંકમાં પોસ્ટ પરથી એવું લાગી રહ્યું છે કે આ એક ધમાલ કોમેડી ફિલ્મ હશે, અને આમ પણ સંજયભાઈના ઘણા નાટકો આપણે જોયા જ છે એટલે તેમનું કોમિક ટાઈમિંગ કેવું છે તે કહેવાની જરૂર નથી. આ ફિલ્મની સ્ટોરી લખી છે ડોક્ટર ઋષિકેશ ઠક્કરે અને ફિલ્મના ડીરેક્ટર છે નિશીથકુમાર બ્રહ્મભટ્ટ. નિશીથે આના પહેલા ત્રણ ડોબા અને લપેટ જેવી ફિલ્મોનું ડીરેક્શન કરેલું છે. આ ફિલ્મ 5 મે ના રોજ રીલીઝ થવાની છે જેની સીધી ટક્કર કોકોનટ મોશન પિક્ચર્સની સિદ્ધાર્થ રન્દેલીયા અભિનીત ફિલ્મ ‘બુશર્ટ ટીશર્ટ’ સાથે થવાની છે, જે ફિલ્મ પણ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. એટલે બે નાટ્યસમ્રાટો સિદ્ધાર્થભાઈ અને સંજયભાઈની ટક્કર કેવી રહેશે તે તો બંને ફિલ્મો રીલીઝ થશે ત્યારે જ ખબર પડશે, પરંતુ આવું થશે તો બંને ફિલ્મોને થોડું નુકસાન થઇ શકે તેમ છે, કેમકે બંને ફિલ્મો પારિવારિક કોમેડી છે, એટલે જો બેમાંથી કોઈ એક ફિલ્મની રીલીઝ ડેટ આગળ પાછળ કરવામાં આવે તો ફાયદો વધારે થઇ શકે.
ચાર ફેરાનું ચકડોળ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર પણ હવે ટૂંક સમયમાં જોવા મળી રહેશે.