ક્યુટ ટીનેજર લવસ્ટોરી ધરાવતી એક ગુજરાતી વેબસીરીઝ તમને મફતમાં જોવા મળી શકે તેમ છે. જેનું નામ છે – ધોરણ ૧૦. આ વેબસીરીઝ વાક્યમ સ્ટુડિયોઝ નામની યુટ્યુબ ચેનલ પર તમે જોઈ શકશો, જેના અત્યાર સુધીમાં ચાર એપિસોડ રજુ થઇ ગયા છે, અને નવા એપિસોડ દર શુક્રવારે રજુ થતા રહે છે.
તમે કદાચ યુટ્યુબ પર રજુ થયેલ જીનલ બેલાણી અને મેહુલ સોલંકી અભિનીત ‘અધુરી વાત’ નામની વેબસીરીઝ જોઈ હશે. એ સીરીઝના રાઈટર ડીરેક્ટર ધ્રુવ ગોસ્વામી એ ‘ધોરણ ૧૦’નું રાઈટીંગ અને ડીરેક્શન કરેલું છે.
સ્ટોરીની વાત કરીએ તો ધોરણ ૧૦માં ભણતા દિવ્યા અને દેવાંશની આ વાર્તા છે. જેને બન્નેનો કોમન મિત્ર અનિકેત પ્રેમથી દેવલો અને દેવલી કહે છે. દેવાંશ ભણવામાં ખુબ હોંશિયાર છે, દિવ્યા દેવાંશને ખુબ પસંદ કરતી હોવાથી તે તેની પાછળ પાછળ ફરતી રહે છે, પરંતુ વાત કરતા ગભરાતી હોય છે. તે અનિકેતને વચ્ચે રાખી દેવાંશને રીવીઝન માટે માનવી લે છે અને શરુ થાય છે ટીનેજર લવસ્ટોરી. પહેલા જ કહ્યું તેમ આ એક ક્યુટ લવસ્ટોરી છે, જે જોઇને કદાચ તમને તમારા સ્કુલના દિવસો યાદ આવી જશે. સીરીઝમાં સાયબો તું મેઘલિયો ગીત તમને સાંભળવા મળશે, જેના શબ્દો અને મ્યુઝીક વારંવાર સાંભળવા ગમે તેવા છે. દરેક એપિસોડ લગભગ સાત થી અગિયાર મીનીટના જ છે એટલે જો તમે પહેલો એપિસોડ જોવાનું શરુ કરશો તો બધા એપિસોડ એક સાથે જ પુરા કરી દેશો. ચોથા એપિસોડમાં મોટો ટ્વીસ્ટ આવી ગયો છે એટલે હવે આગળ શું થશે તેની રાહ તમે પણ જોશો.
ઓહો ગુજરાતી પર આવા જ સબ્જેક્ટ પર ‘ટ્યુશન’ નામની વેબસીરીઝ આવેલી, જેમાં ટીનેજર લવસ્ટોરી હતી. ધોરણ ૧૦ પણ એવી જ સીરીઝ હોવા છતાં તમને આ સીરીઝ જોવાની મજા તો આવશે જ, કેમકે સિરીઝની પ્રોડક્શન વેલ્યુ ઘણી સારી છે, ડાયલોગ પણ જ્યાં જરૂર છે ત્યાં જ અને એકદમ સાહજિક રખાયા છે. અને સૌથી મોટી વાત કે આ સીરીઝ તમે સાવ ફ્રીમાં જોઈ શકો છો.
Dhoran 10 Gujarati Web Seires 2023