પાન ઇન્ડિયા રીલીઝ શબ્દ હમણાં હમણાં ખુબ સાંભળવા મળે છે. કોઇપણ ભાષામાં બનેલ ફિલ્મને ભારતની અલગ અલગ ભાષાઓમાં રીલીઝ કરવામાં આવે તેવી ફિલ્મોને પાન ઇન્ડિયા રીલીઝ કહેવામાં આવે છે. ઘણી હોલીવુડ, બોલીવુડ અને સાઉથની ફિલ્મો અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ જેવી ભાષાઓમાં રીલીઝ થાય છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ આવી મોટી ફિલ્મ ગુજરાતી ભાષામાં ડબ થઇ રીલીઝ થઇ નથી. થોડા સમય પહેલા જેમ્સ બોન્ડની ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ રીલીઝ થવાની હતી તેના પહેલા તેનું ગુજરાતી ટ્રેલર રીલીઝ જરૂર થયું હતું, પરંતુ ટ્રેલરને જ જોઈએ એવો પ્રતિસાદ ન મળતા ફિલ્મ ગુજરાતીમાં રીલીઝ થઇ ન હતી. હવે એક મોટી હોલીવુડની ફિલ્મ ગુજરાતીમાં રીલીઝ થઇ શકે છે, કેમકે તેનું ગુજરાતી ટ્રેલર રજુ થઇ ગયું છે જેનું નામ છે – સ્પાઈડરમેન એકરોસ ધ સ્પાઈડર વર્સ. માર્વેલના સુપરહીરોમાં સૌથી પ્રખ્યાત કહેવાય તેવા સ્પાઈડરમેનની આ એનીમેટેડ ફિલ્મને સોની પિકચર અંગ્રેજી સાથે ભારતની નવ અલગ અલગ ભાષામાં રજુ કરવા માંગે છે. જેમાં હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, સાથે આ વખતે મરાઠી, ગુજરાતી, પંજાબી અને બાંગ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ફિલ્મનું ગુજરાતી ટ્રેલર રજુ થઇ ગયું છે, જેનું ગુજરાતી ડબિંગ ખુબ સરસ છે. જે તમે ટ્રેલર જોશો એટલે ખ્યાલ આવી જશે. આપણી અત્યારની ગુજરાતી ભાષામાં હિન્દી અને અંગ્રેજી શબ્દો સ્વાભાવિક રીતે જ સમાવી લેવાયા છે, એટલે આ ટ્રેલરમાં પણ આ રીતનું જ ગુજરાતી સાંભળવા મળે છે. કોઈ શબ્દોને મારી મચેડીને ગુજરાતીમાં બોલવા કરતા જે તે ભાષામાં બોલવાથી તે આસાનીથી સમજાઈ જાય, બસ આવું જ આ ટ્રેલરમાં છે. ગઈ કાલે રજુ થયેલ ટ્રેલરને લગભગ વીસ હાજર વ્યુ મળી ગયા છે. એટલે જો આ ટ્રેલર ગુજરાતીમાં હીટ થશે તો ચોક્કસ આ ફિલ્મ ગુજરાતીમાં રીલીઝ થઇ શકે છે.
Spider-Man: Across The Spider-Verse – Gujarati Trailer
In Cinemas June 2, 2023