આ વર્ષની ખતરનાક ગુજરાતી ફિલ્મ ‘વશ’ રજુ થઇ ગઈ છે. ફક્ત એક કલાકને સત્તાવન મિનીટની આ ફિલ્મ ખેરખર કેવી છે?
આ ફિલ્મને એ સર્ટીફીકેટ મળેલું છે, કેમકે આ ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને બાળકો સાથે જોવા હિતાવહ નથી. આ ફિલ્મમાં ઘણી એવી સિક્વન્સ છે જે જોઇને તમે ડીસ્ટર્બ થઇ શકો છો, એટલે જો તમને સાયકોથ્રીલર ફિલ્મ જોવામાં કે લોહી વહેતું જોવામાં વાંધો ન હોય તો આ ફિલ્મ તમે જોઈ શકો છો. બોલીવુડ અને ખાસ તો સાઉથમાં આવી ફિલ્મો ઘણી બનતી હોય છે, પરંતુ ગુજરાતીમાં આવી ફિલ્મ અત્યાર સુધીમાં ક્યારેય બની જ નથી. આ ફિલ્મ જોતી વખતે તમને લાગશે જ નહિ કે તમે કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છો. એકદમ ટાઈટ સ્ક્રીપ, અને સ્ક્રીનપ્લે, જરૂરિયાત મુંજબના ડાયલોગ, દમદાર એક્ટિંગ, અદ્ભુત સિનેમેટોગ્રાફી, લાઈટીંગ અને એડીટીંગ. આ બધા ડીપાર્ટમેન્ટ પાસે પરફેક્ટ કામ લેનાર ડીરેક્ટર. ટૂંકમાં આ એક સાયકોથ્રીલર કન્સેપ્ટની ગુજરાતીમાં માસ્ટર પીસ ફિલ્મ છે.
ફિલ્મની સ્ટોરી વિષે ટૂંકમાં જણાવીએ તો, અથર્વ તેના પરિવાર સાથે સુખેથી રહે છે, તેમના ઘરે પ્રતાપ પોતાની ગાડી બગડી હોવાથી મદદ માંગવા આવે છે. અજાણ્યા માણસને મુસીબતમાં ફસાયેલો જોઈ અથર્વ તેને મદદ કરે છે. અને પછી શરુ થાય છે ખરાખરીનો ખેલ, જે આપણે ટ્રેલરમાં જોયો જ છે. અથર્વની દીકરી આર્યા કોઈ કારણોસર પ્રતાપની દરેક વાત માનવા લાગે છે. જો પ્રતાપ આર્યાને પોતાના જ માં – બાપ અને ભાઈને મારી નાખવા કહે તો તે પણ આર્યા કરશે જ, એ હદે પ્રતાપે આર્યાને વશ કરી લીધી છે. માણસના રૂપમાં આવેલા શેતાનના દિમાગમાં ખરેખર શું ચાલી રહ્યું છે? પ્રતાપ કેમ આર્યાને પોતાની સાથે લઇ જવા માંગે છે? આર્યા કઈ રીતે પ્રતાપને વશ થઇ ગઈ? અને શું ખરેખર આર્યા આ વશીકરણ હેઠળ પોતાના જ માતા પિતા અને ભાઈની હત્યા કરશે? આ બધા સવાલોનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે
એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મમાં મુખ્ય પાચ કલાકારો છે, અને દરેકનું કામ જોરદાર છે. પરંતુ હિતેનકુમાર અને જાનકીના તો અલગથી વખાણ થવા જ જોઈએ. પ્રતાપના આ પાત્રમાં હિતેનકુમારે જે અદ્ભુત અભિનય કર્યો છે તેના માટે આ વર્ષનો બેસ્ટ નેગેટીવ રોલ માટેનો એવોર્ડ તેમના નામે અત્યારથી જ થઇ ગયો છે. પ્રતાપનો એક જ ડાયલોગ ‘હું માણસ નથી રાક્ષસ છું’ એ રૂપ જોઇને તમને ડર લાગશે સાથે જ નફરત પણ થઇ આવશે. એવી જ રીતે વશીકરણ થયેલી આર્યાના પાત્રમાં જાનકીનું પરફોર્મન્સ પણ અદ્ભુત છે. આર્યાનો તમને ડર લાગશે સાથે દયા પણ આવશે. કોઈ ફિલ્મમાં જયારે હીરો કરતા વિલનનું પાત્ર ચડિયાતું હોય તે ફિલ્મ સફળ થવાના ચાન્સ વધારે રહે છે, આ ફિલ્મ પણ એ કેટેગરીમાં જ આવે છે.
આ એક પરફેકટ સાયકોલોજીકલ થ્રીલર ફિલ્મ છે, જે ગુજરાતીમાં બની છે પરંતુ ખરેખર તો આ ફિલ્મને અલગ અલગ ભાષામાં ભારતભરમાં રજુ કરવા જેવી છે. રેટિંગની દ્રષ્ટીએ વાત કરીએ તો એક સ્ટાર અલગ જ પ્રકારના કન્સેપ્ટ માટે, એક સ્ટાર દરેક કલાકારના દમદાર અભિનય માટે, એક સ્ટાર બેકગ્રાઉન્ડ મ્યુઝીક માટે અને એક સ્ટાર સ્ટોરી ટેલીંગ, ચુસ્ત સ્ક્રીપ્ટ, સ્ક્રીન પ્લે, ડાયલોગ્સ અને એડીટીંગ બધું જ પરફેક્ટ કરાવવા માટે ડીરેક્ટરને આપવો જોઈએ. અડધો સ્ટાર ફિલ્મના ક્લાઈમેક્સને થોડો વધારે પડતો ડ્રામેટીક કરવા માટે અને અડધો સ્ટાર ફિલ્મનો સેન્ટર પોઈન્ટ જે છે તેના વિષે કોઈ ખુલાસા ન આપવા માટે કાપી શકાય. ટૂંકમાં આ એક મસ્ટવોચ ફિલ્મ છે. જો તમે સાયકોથ્રીલર પ્રકારની ફિલ્મોના ચાહક છો તો આ ફિલ્મ અચૂક જોવી. ફેમીલી સાથે આ ફિલ્મ જોવામાં કદાચ બીજા લોકો ડીસ્ટર્બ થઇ શકે. અને હા એક ખાસ વાત જે રીતે ફિલ્મનો આરંભ અને અંત આવ્યો છે તે યુનિક તો છે જ અને એવું લાગી રહ્યું છે કે જો આ ફિલ્મ સફળ થાય તો આ ફિલ્મનો બીજો પાર્ટ પ્રિકવલ રૂપે બની શકે. જોકે એ તો રાઈટર ડીરેક્ટરના હાથમાં છે.
Vash – Gujarati Movie Review