સાયકોથ્રીલર ફિલ્મ ‘વશ’ સાથે રજુ થયેલ સસ્પેન્સ થ્રીલર ગુજરાતી ફિલ્મ કર્મ. લગભગ બે કલાકની આ ફિલ્મ જોવા જેવી છે કે નહિ તેના વિષે ડીટેલમાં વાત કરીએ.
કર્મની ફિલોસોફી વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આપણા સારા કે ખરાબ કરેલા કર્મનું ફળ આપણે ગમે ત્યારે ભોગવવું તો પડે જ છે.
કર્મ ફિલ્મ કર્મની ફિલોસોફી પર જ આધારિત છે, જેમાં કાજલ ભગત પોતાના હસતા રમતા પરિવાર સાથે રહે છે. કાજલના આ સુખી સંસારમાં ઝંઝાવાત ઉભો થાય છે જેનું કારણ છે તેનો પતિ રાહુલ ભગત. કાજલનો એક સહકર્મચારી તેને જણાવે છે કે તેણે રાહુલને વારાણસીમાં જોયેલો, જયારે રાહુલ કાજલને એવું કહી નીકળેલો કે તે દિલ્લી જાય છે. આમ કાજલના મનમાં પોતાના પતિ વિષે શંકાનું બીજ રોપાય છે. તે રાહુલની જાસુસી કરાવે છે અને એક નામ સામે આવે છે રવિ પાઠક. કોણ છે આ રવિ પાઠક? રવિ અને રાહુલ વચ્ચે શું સંભંધ છે? શું કાજલને પોતાના પતિ માટે જે શંકા જાગી છે તે સાચી છે કે ખોટી? આવા બધા સવાલોનો જવાબ જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો તે છે – વડોદરા, મુંબઈ, દિલ્લી, વારાણસી અને કલકત્તા વચ્ચે રમતી સ્ટોરી. લગભગ ભાગ્યે જ કોઈ ગુજરાતી ફિલ્મ વિવિધ રાજ્યોમાં શૂટ થાય છે, એટલે આ એક પ્લસ પોઈન્ટ કહી શકાય. બીજો પ્લસ પોઈન્ટ છે સ્ટાર કાસ્ટ. દરેકે દરેક કલાકાર પોતપોતાના પાત્રમાં પરફેક્ટ છે. ખાસ તો આખી ફિલ્મનો ભાર કાજલ ભગત એટલે કે બ્રિન્દા ત્રિવેદીના ખભા પર છે એટલે સ્વાભાવિક રીતે જ બ્રિન્દાનું કામ તમને આ ફિલ્મમાં ખુબ ગમશે. ચેતન ધાનાણી હમેશની જેમ પોતાની છાપ છોડી જાય છે. અંશુલ ત્રિવેદી અને મોરલી પટેલનો રોલ નાનો હોવા છતાં મજબુત છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી ખુબ સરસ થઇ છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝીક ફિલ્મને અનુરૂપ કહી શકાય.
ફિલ્મની શરૂઆત થતા જ એક પછી એક ટ્વીસ્ટ આવતા રહે છે, જેને કારણે ફસ્ટ હાફ ખુબ એન્ગેજીંગ કહી શકાય. સેકન્ડ હાફ થોડો સ્લો પડે છે, પરંતુ એક પછી એક રહસ્યો પરથી પડદો ઉપડતો હોવાથી બહુ વાંધો આવતો નથી. ફિલ્મનું મુખ્ય જે સસ્પેન્સ છે તે એકરીતે પ્રીડીકટેબલ છે. કેમકે લગભગ આવું જ બનશે એવું તમે ધારીને બેઠા હો એટલે એવું જ બને તો એમાં સરપ્રાઈઝનું તત્વ જોઈએ તેવું ન રહે. આ ફિલ્મમાં પણ આવું જ કઈક બને છે, બસ ખાલી કલાઇમેકસમાં થોડું અલગ કરવાનો પ્રયાસ જરૂર છે. છતાં જે રીતનું સસ્પેન્સ આખી ફિલ્મ દરમિયાન ક્રિએટ થવું જોઈએ તેમાં સેકન્ડ હાફમાં રાઈટર ડીરેક્ટર કાંઇક અલગ કરી શક્યા હોત.
રેટિંગની દ્રષ્ટીએ વાત કરીએ તો એક સ્ટાર સૌથી પહેલા અલગ પ્રકારની સ્ટોરી એ પણ આટલા બધા લોકેશન પર શૂટ કરવા માટે આપવો જોઈએ. એક સ્ટાર બ્રિન્દા ત્રિવેદી અને તેના સાથી કલાકારોના મજબુત પરફોર્મન્સ માટે, અડધો સ્ટાર કાસ્ટિંગ ડીપાર્ટમેન્ટને અને અડધો સ્ટાર બીજીએમ તથા સિનેમેટોગ્રાફી માટે આપવો જોઈએ. એવી જ રીતે એક સ્ટાર સસ્પેન્સ ફિલ્મ હોવા છતાં પ્રીડીકટેબલ થતી સ્ટોરી માટે અને એક સ્ટાર ધીમા સ્ક્રીન પ્લે માટે કાપવો જોઈએ. ઓવરઓલ આ ફિલ્મને પાંચમાંથી ત્રણ સ્ટાર આપી શકાય.
ટૂંકમાં જો તમને સસ્પેન્સ ફિલ્મો જોવાનો શોખ હોય અને ગુજરાતીમાં અલગ પ્રકારના પ્રયોગ ધરવતી ગુજરાતી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો ‘કર્મ’ સહપરિવાર માણી શકાય તેવી ફિલ્મ છે.
Karma Gujarati Movie Review 2023