કાચિંડો, સસલું અને ગરુડ આ ત્રણ પ્રાણીઓની પ્રકૃતિ ધરવતા માણસોની વાર્તા ધરાવતી નૈતિક રાવલની સસ્પેન્સ ગુજરાતી ફિલ્મ ‘આગંતુક’ રજુ થઇ ચુકી છે. લગભગ પોણા બે કલાકની આ ફિલ્મ કેવી છે અને ટ્રેલરમાં જે જબરદસ્ત હાઈપ ઉભી કરેલી તેને કારણે જોવા જેવી છે કે નહિ તેના વિષે વાત કરીએ.
ટ્રેલર પરથી તો ફિલ્મ સ્ટોરી વિષે વધારે ખ્યાલ નહોતો આવ્યો અને સસ્પેન્સ ફિલ્મ હોવાથી વધારે સ્પોઈલર ન આપતા ટૂંકમાં જણાવીએ તો દાનીશ પોતાની મમ્મીએ ગીફ્ટ કરેલ જૂની કોન્ટેસા કારમાં સાપુતારા જઈ રહ્યો છે, જેને રસ્તામાં શુક્લાજીનો ભેટો થાય છે. દાનીશ તેમને સાપુતારા સુધી લીફ્ટ આપે છે. અજાણ્યા માણસને મદદ કરવામાં કેવા પ્રોબ્લેમ થાય તે તો તમે વશ ફિલ્મ જોઈ હશે તો ખબર હશે જ અને ન હોય તો હવે આગંતુક જોઈ લેજો તો ખ્યાલ આવી જશે. શુક્લાજી રીટાયર્ડ વ્યક્તિ છે અને તેમને આજની આધુનિક પેઢીથી ખુબ ફરિયાદો છે. આખા રસ્તે તેઓ દાનીશને પોતાની આવી વાતોથી બોર કરતા રહે છે. હવે આ બંનેને મનસ્વીનો ભેટો કઈ રીતે થાય છે, અને આ ત્રણેમાં કોણ કાચિંડો, કોણ સસલું અને કોણ ગરુડ છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ.
ફિલ્મના પ્લસ પોઈન્ટની વાત કરીએ તો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે – હિતેનકુમાર. વશના પ્રતાપ અને આગંતુકના શુક્લાજી બે ભિન્ન પાત્રોમાં હિતેનકુમાર એટલા જામે છે કે આ પાત્રોમાં તમે બીજા કોઈ કલાકારની કલ્પના જ ન કરી શકો. એક થાકેલા હારેલા અને યુવા પેઢીથી અકળાયેલા આ સુરતી શુક્લાજીની બોડી લેંગ્વેજ અને હાવભાવમાં હિતેનકુમાર અદ્ભુત લાગી રહ્યા છે. ધૂંઆધારથી એક રીતે તેમની સેકન્ડ ઇનિંગ શરુ થઇ છે, અને એવું લાગી રહ્યું છે કે જે રીતે અમિતાભ બચ્ચન આ ઉમરે યુવા કલાકારોને ટક્કર આપી રહ્યા છે અને તેમના માટે સ્પેશીયલ રોલ લખવામાં આવે છે, એવું જ હવે ગુજરાતીમાં હિતેનકુમાર માટે પણ થશે. વશ અને આગંતુક બંને ફિલ્મોમાં તેઓ પૂરબહારમાં ખીલ્યા છે. આ બંને ફિલ્મો લોકોને જો યાદ રહેશે તો તેનું મુખ્ય કારણ હિતેનકુમારનો દમદાર અભિનય કહી શકાય. આ બંને ફિલ્મો એક જ દિવસે રજુ થવાની હતી પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને વશને એક વિક વહેલા રજુ કરવામાં આવી તે નિર્ણય ખરેખર યોગ્ય જ છે. ફિલ્મનો બીજો પ્લસ પોઈન્ટ કહીએ તો તે છે બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને સુંદર સિનેમેટોગ્રાફી. સાપુતારા જવાના રસ્તા કેટલા સુંદર છે તે તો આ ફિલ્મના ડ્રોન શોટ જોશો એટલે ખ્યાલ આવી જ જશે. ફિલ્મનું જે રીતે સ્ટોરી ટેલીંગ કરવામાં આવ્યું છે તે પણ ફિલ્મનો પ્લસ પોઈન્ટ કહી શકાય. માઈનસ પોઈન્ટની વાત કરતા પહેલા સીધા રેટિંગની જ વાત કરીએ તો ફિલ્મના જે પ્લસ પોઈન્ટ ગણાવ્યા તે પ્રમાણે ફિલ્મને એક સ્ટાર ખાસ હિતેનકુમારની દમદાર એક્ટિગ માટે, બીજો સ્ટાર સસ્પેન્સ કરતા સાયકોથ્રીલર પ્રકારની સ્ટોરી ધરાવતા કન્સેપ્ટ અને સ્ટોરીટેલીંગ માટે અને એક સ્ટાર પાવરફુલ બેકગ્રાઉન્ડ મ્યુઝીક અને સિનેમેટોગ્રાફી માટે આપવો જોઈએ.
માઈનસ પોઈન્ટની વાત કરીએ તો ફક્ત પોણા બે કલાક કરતા પણ થોડી નાની ફિલ્મ હોવા છતાં ફિલ્મ તમને લાંબી તો લાગશે જ. ફિલ્મની શરૂઆત જોરદાર રીતે થાય છે, અને ચાર અલગ અલગ ચેપ્ટરમાં ફિલ્મને વહેંચવામાં આવી છે, જેમાં પહેલું ચેપ્ટર શુક્લાજી પર છે જેનો અંત સેકન્ડ હાફ શરુ થયા બાદ આવે છે. બાકીના ત્રણે ચેપ્ટર સેકન્ડ હાફમાં સમાવવામાં આવ્યા છે. ફસ્ટ હાફમાં રોડ ટ્રીપ પર ફોકસ કરવામાં આવ્યું છે, અને સેકન્ડ હાફમાં મોટાભાગની વાર્તા એક મકાનમાં જ ફરે રાખે છે. ફર્સ્ટ હાફમાં શુક્લાજી અને દાનીશ વચ્ચેના સંવાદોમાં નવી જૂની પેઢી વચ્ચેનો તફાવત સેન્ટરમાં છે. ટૂંકમાં ફસ્ટ હાફ આ બે કેરેક્ટરને ડેવલપ કરવામાં જ પૂરો થઇ જાય છે. સેકંડ હાફમાં એક પછી એક રહસ્યો પરથી પરદો ઉપડે છે, પરંતુ લાંબા લાંબા શોટ અને શુક્લાજીની સ્ક્રીન પર થોડીવારની ગેરહાજરીને કારણે તમે બોર થઇ શકો છો. વચ્ચે વચ્ચે થોડીવાર બોર કરતી સિક્વન્સ બાદ કઈક એવો ટ્વીસ્ટ આવે કે તમે ફરી ફિલ્મ સાથે કનેક્ટ થઇ જાવ. ફિલ્મ પૂરી થયા બાદ તમને એટલું તો ચોક્કસ લાગશે કે જે વિચારી ફિલ્મ જોવા આવ્યા હતા તેના કરતા ફિલ્મની સ્ટોરી કઈક તો અલગ છે જ. માઈનસ પોઈન્ટને ધ્યાનમાં રાખીને જે બે સ્ટાર કાપવામાં આવ્યા છે તેની વાત કરીએ તો એક સ્ટાર ધીમી સ્ટોરી માટે, અડધો સ્ટાર સેકન્ડ હાફમાં દમદાર ડાયલોગ્સના અભાવ માટે અને અડધો સ્ટાર ફિલ્મના બીજા બે મુખ્ય પાત્રોમાં જોવા મળતા કલાકારો નેત્રી અને ઉત્સવની એવરેજ એક્ટિંગ માટે કાપવો જોઈએ.
ઓવરઓલ વાત કરીએ તો ટ્રેલર પરથી આ ફિલ્મ માટે જે વધારે પડતી આશાઓ જાગી હતી તેટલી જોરદાર આ ફિલ્મ નથી, છતાં એક અલગ જ પ્રકારના કન્સેપ્ટ પર બનેલ આ ફિલ્મ સહપરિવાર જોઈ શકાય તેવી તો છે જ. ખાસ તો જો તમને સસ્પેન્સ કે સાયકોથ્રીલર પ્રકારની ફિલ્મો ગમતી હોય તો આ ફિલ્મ થોડી ધીરજ રાખી જરૂર જોવા જેવી ખરી.
Aagantuk Gujarati Movie Review 2023