ડીરેક્ટર વિજયગીરી બાવા ગુજરાતના ઈતિહાસ અને સંસ્કૃતિની એક ભુલાઈ ગયેલી વાર્તા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું ઘણું ખરું શુટિંગ થઇ ગયું છે.
આ ફિલ્મ ગુજરાતી ભાષામાં બની રહી છે અને હિન્દીમાં પણ આ ફિલ્મને રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મની વાર્તા લગભગ તેરમી સદીની આસપાસની છે. ગુજરાતીઓને મોટેભાગે વેપારી પ્રજા તરીકે જ ઓળખવામાં આવે છે. પરંતુ આપણા ઇતિહાસમાં ઘણી એવી ઘટનાઓ છે જેનાથી ખ્યાલ આવે કે આ દાળભાત ખાનારી પ્રજા જરૂર પડે કેવા પરાક્રમો કરી શકતી હતી. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ આવી ઘણી વાર્તાઓ આપી છે. આ ફિલ્મની સ્ટોરી પણ કઈક આવી જ હશે. સ્ક્રીન પર દેખાતું ગામડું ખરેખર તો ફિલ્મનો સેટ છે. અમદાવાદમાં જ આ ફિલ્મના પ્રોડક્શન ડીઝાઈનર ચિંતન ધડુકે લગભગ બાર થી તેર એકરમાં આખો સેટ તૈયાર કર્યો છે. અલગ અલગ પ્રકારના મકાનો, શેરીઓ, મોટું ડેલીબંધ મકાન, તલવાર, ઢાલ, ભાલા, ખાંભીઓ, નદી અને બીજું ઘણું બધું તમને સેટ પર જોવા મળશે. ખાસ તો આ ફિલ્મમાં વડલાની અંદર માતાજીનું મંદિર હોય તેવો સેટ તૈયાર થઇ રહ્યો છે. આ ફિલ્મમાં તેરમી સદીનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આપણી પ્રજાના કેસરિયા બલિદાનની વાત વણી લેવામાં આવી હોવાથી એક્શન સિક્વન્સ પણ ખુબ જોવા મળવાની છે. એટલે ફિલ્મમાં ઘણું બધું સીજીઆઈ અને વીએફએક્સ જોવા મળવાનું છે. લગભગ ત્રીસ દિવસનું આ ફિલ્મનું શુટિંગ સીડ્યુંઅલ છે, જેમાં વીસ દિવસનું શૂટ પૂર્ણ થઇ ગયું છે. એટલે લગભગ ફેબ્રુઆરીના એન્ડ પહેલા શુટિંગ પૂર્ણ થઇ જશે. આટલા મોટા સ્કેલ પર ફિલ્મ બની રહેલ આ ફિલ્મમાં બધા મળી લગભગ એક હાજર લોકો સંકળાયેલા છે, ફક્ત વીસ જ દિવસમાં આખો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. અને રોજ લગભગ ત્રણસો ચારસો કારીગરો દિવસ રાત મહેનત કરી રહ્યા છે.
ફિલ્મના રાઈટર રામ મોરી અને ડીરેક્ટર વિજયગીરીની આ ત્રીજી ફિલ્મ છે. બંનેનું ટ્યુનીંગ જબરદસ્ત છે. ફિલ્મના પ્રોડ્યુસર છે ટ્વિન્કલ બાવા. આ ફિલ્મ આ ત્રણે લોકોના દિલની ખુબ નજીક છે અને આ પ્રોજેક્ટ માટે તેઓ કોઈ કસર છોડવા નથી માંગતા. સેટ પરની મુલાકાત વખતે વધારે વાત તો થઇ શકી ન હતી, પરંતુ જે રીતે ફિલ્મનું શૂટ ચાલી રહ્યું હતું તેના પરથી ચોક્કસ એટલું કહી શકાય કે આ ફિલ્મ ગુજરાતની એક ગૌરવગાથા લઈને આવી રહ્યું છે.
Vijaygiri Bava – New Gujarati Movie Update – 2023