કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ પારિવારિક કોમેડી ફિલ્મ નવા પપ્પા થીયેટરમાં રજુ થઇ ગઈ છે, લગભગ બે કલાકને સાત મીનીટની આ ફિલ્મ છે. કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ હોય એટલે સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ પાસે આપણી અપેક્ષાઓ વધારે હોય. કેમકે આ પ્રોડકશન હાઉસ હમેશા સ્વચ્છ, મનોરંજક પારિવારિક કોમેડી ફિલ્મ આપે છે. ‘નવા પપ્પા’ આ અપેક્ષાઓ પૂરી કરે છે કે નહિ?
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો મનોજ મહાદેવીયા અમદાવાદમાં પોતાના પરિવાર સાથે રહે છે, જેમાં તેની દીકરી અનુષ્કાને બાદ કરતા તેની પત્ની વંદના અને પુત્ર રાહુલ મોટા નંગ કહી શકાય. વંદના પોતાની લોજીક વગરની વાતોથી મનોજને એ હદે હેરાન કરતી રહે કે મનોજ હમેશા વિચારે કે ‘આનુ મારે શું કરવું?. તેનો પુત્ર પણ દરેક બાબતમાં ‘સાબુથી હાથ ધોઈ’ પાછળ પડેલો રહે છે. આ બે મુસીબતો ઓછી હોય તેમ મનોજનો સાળો અતુલ ઉધાર માંગવા હમેશા હાજર જ હોય. એક્ટિંગનો શોખ ધરાવતી અનુષ્કા વિવેકના પ્રેમમાં પડે છે. આવા પારિવારિક જીવનમાં કનુ ધારડ નામના ડોનની એન્ટ્રી થાય છે. કનુભાઈ અને મનોજ બંને હમશકલ છે અને એવી ઘટના બને છે જેને કારણે બંનેની અદલા બદલી થઇ જાય છે. હવે આ અદલા બદલીનું શું પરિણામ આવે છે એ જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ.
આ ફિલ્મ કેમ જોવી અને કેમ ન જોવી, અથવા ક્યાં પલ્સ અને માઈનસ પોઈન્ટ છે તેની સીધી વાત રેટિંગમાં કરીએ તો એક સ્ટાર ફિલ્મની મજબુત સ્ટારકાસ્ટ અને તેમની એક્ટિંગ માટે આપવો જોઈએ. ખાસ તો મનોજ જોશી બંને રોલમાં પોતાની અલગ છાપ ઉભી કરે છે. અડધો સ્ટાર ફિલ્મમાં જે રીતે પિતા – પુત્રીના સંબંધને મહત્વ અપાયું તેના માટે આપી શકાય. અને અડધો સ્ટાર ફિલ્મની સારી પ્રોડક્શન વેલ્યુ માટે આપી શકાય. એવી જ રીતે એક સ્ટાર ફિલ્મની થોડી ચવાઈ ગયેલી સ્ટોરી, નબળા ડાયલોગ્સ અને ધીમા સ્ક્રીનપ્લે માટે કાપવો જોઈએ. એક સ્ટાર ફિલ્મના મ્યુઝીક અને ગીતો માટે કાપવો જોઈએ. ફિલ્મમાં ટોટલ ત્રણ ગીતો છે, જેમાં છેલ્લા પ્રમોશનલ ગીતને બાદ કરતા બંને ગીતો સ્ટોરીને વધારે સ્લો કરવાનું કામ કરે છે. અને એક સ્ટાર આટલા મજબુત એક્ટર્સ હોવા છતાં, અને ખાસ તો કોમેડી ફિલ્મ હોવાથી જે રીતની સિચ્યુએશન બનવી જોઈએ તેવી ઉભી ન કરી શકવા માટે રાઈટર અને ડીરેક્ટરનો કાપવો જોઈએ. ઓવરઓલ આ ફિલ્મને પાંચમાંથી બે સ્ટાર આપી શકાય.
ટૂંકમાં કોકોનટ પ્રોડક્શનની ફિલ્મ છે અને મનોજ જોશી, વંદના પાઠક, કિંજલ રાજ્પ્રીયા, સુનીલ વિશ્રાણી, મુની ઝા, મોરલી પટેલ અને પાર્થ ઓઝા જેવા દમદાર કલાકારો હોવાથી જો વધારે અપેક્ષા સાથે આ ફિલ્મ જોવા જશો તો તમે નિરાશ થશો. એટલું ચોક્કસ કે આ ફિલ્મ OTT પર તો નહિ જ આવે, એટલે જો તમે સાવ ફ્રી હો અને ફક્તને ફક્ત ટાઈમપાસ માટે સહપરિવાર ગુજરાતી ફિલ્મ કે નાટક જોવાની ઈચ્છા હોય તો આ ફિલ્મ જોવા જવાય. કેમકે પૈસા અને સમય બંને તમારા છે.
Nava Pappa Gujarati Movie Review 2023