સસ્પેન્સ થ્રીલર અને કોમેડીથી ભરપુર “લોચા લબાચા” ના ટોટલ આઠ એપિસોડ રજુ થઇ ગયા છે. અઢાર થી લઇ છેત્તાલીસ મિનીટની લંબાઈ ધરાવતી આ સીરીઝ જોવા માટે તમારે તમારો સમય ફાળવવો જોઈએ કે નહિ તેના વિષે જાણીએ.
સ્ટુડિયો સરસ્વતી મુવીઝની યુટ્યુબ ચેનલ પર રજુ થયેલ આ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો એક ઘરમાં પાંચ છોકરાઓ ભાડેથી રહે છે, પરંતુ નિયમિત ભાડું ન આપતા હોવાથી મકાન માલિકે તેમને જો ભાડું નહિ આપે તો ઘર ખાલી કરી આપવાની ધમકી આપી છે. હવે પાંચે મિત્રો પાસે પૂરતા પૈસા ન હોવાથી ભાડું કઈ રીતે ભરવું તે પ્રશ્ન ઉભો થાય છે. જેનું કેવું નિરાકરણ તેઓ લાવે છે તે તો આપણે ટ્રેલરમાં જોયું જ છે. પોતાને મળેલ ભાડે મકાનમાં જ તેઓ એકાંત ઈચ્છતા કપલ, પાર્ટી કરવા માંગતા મિત્રો વગેરેને એક રાત માટે રૂમ ભાડે આપવાનું શરુ કરે છે. આ ધંધો તેમનો પુર જોશમાં ચાલવા લાગે છે, પરંતુ તેમાં એક કાંડ થઇ જાય છે. શહેરના જાણીતા બીઝનેસમેનની પુત્રી ગાયબ થયા ના સમાચાર ટીવી પર આવે છે, જે આગલી રાત્રે જ તેના એક યુવા મિત્ર સાથે આ પાંચના ઘરે રૂમ ભાડે રાખીને રાત ગાળવા આવેલા. સવારે આ છોકરીની લાશ તેમને મળે છે અને છોકરીનો બોયફ્રેન્ડ ભાગી ગયો છે. ઘરમાં લાશ હોવાથી હવે શું કરવું તેનો વિચાર હજુ કરી રહ્યા હોય ત્યાં પોલીસ આવી ચડે છે. બીજી બાજુ બબલુભાઈ નામ એક ગુંડાની ગેંગ પણ આ છોકરીને શોધતી હોય છે. આમ આ પાંચે એક લાશને સગેવગે કરવા સાથે કઈ રીતે પોલીસ અને ગુંડાઓથી બચશે તે જાણવા તમારે આ સીરીઝ જોવી જોઈએ.
હવે મુખ્ય વાત આ સીરીઝ ફ્રીમાં જોવા મળતી હોવાથી આ સીરીઝ પાછળ તમારે લગભગ સાડા ત્રણ કલાક આપવા જોઈએ કે નહિ તેના વિષે વાત કરીએ તો સીરીઝ લાંબી જરૂર છે છતાં દરેક એપિસોડમાં એવા એવા ટ્વીસ્ટ આવતા રહે છે જેને કારણે આખી સીરીઝ જોવા માટે તમારો ઇન્ટરેસ્ટ તો જળવાઈ જ રહેશે. લવસ્ટોરી અને ફ્લેશબેકની જે સ્ટોરી વણી લેવામાં આવી છે તેને કારણે તમે થોડા બોર થઇ શકો છો. કોમેડી પણ સીરીઝમાં ઠીકઠાક છે ખાસ તો છેલ્લા એપિસોડમાં કોમેડી વધારે છે. સસ્પેન્સની દ્રષ્ટીએ અવનવા ટ્વીસ્ટ આવતા જ રહે છે. સીરીઝમાં જોવા મળતા મોટાભાગના કલાકારો નવા છે જેમણે પોતપોતાના પાત્રને પુરતો ન્યાય આપવાનો પ્રયાસ જરૂર કર્યો છે. ઓવરઓલ સીરીઝનું બીજીએમ અને પ્રોડક્શન વેલ્યુ સીરીઝને અનુરૂપ કહી શકાય. એક જ બેઠકે તો આખી સીરીઝ જોવામાં તમને કંટાળો આવી શકે, પરંતુ ટુકડે ટુકડે સીરીઝ જોવામાં તમને મજા આવશે. એટલે જો તમારી પાસે ખાલી સમય હોય અને સમય પસાર કરવા માટે કઈક સારું ગુજરાતી કન્ટેન્ટ જોવાની ઈચ્છા હોય તો આ સીરીઝ એકવાર જરૂર જોવાય.
Locha Labacha Gujarati Web Series 2023