મનને જીતવા માટેની જડીબુટ્ટી સમાન ફિલ્મ ચલ મન જીતવા જઈએ નો બીજો ભાગ પાંચ વર્ષના લાંબા સમય બાદ રજુ થયો છે. લગભગ પોણા ત્રણ કલાકની આ ફિલ્મ ખરેખર જોવા જેવી છે કે નહિ.
સૌથી પહેલા જ તમને જણાવી દઈએ કે જો તમને પહેલો ભાગ ગમ્યો હશે અને ફિલ્મનું હાર્દ તમને સ્પર્શી ગયું હશે તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે અને કદાચ તમે વારંવાર આ ફિલ્મ જોવાનું પસંદ કરશો. પણ જો તમને ઉપદેશાત્મક પુસ્તકો કે ફિલ્મો ખાસ ગમતી ન હોય તો આ ફિલ્મ તેની લંબાઈને કારણે તમને થોડી બોર કરશે, છતાં ફિલ્મ ગમશે એ ચોક્કસ.
ફિલ્મની સ્ટોરી વિષે વાત કરીએ તો એ તો આપણને ખબર જ છે કે સંઘવી પરિવાર એક મોટા ફાઇનાન્સિયલ ક્રાઈસીસમાં ફસાયેલો અને પહેલા ભાગને અંતે પરિવારના મુખિયા વસંત સંઘવીએ પોતાના દીકરા વીરેન અને ભત્રીજા દેવની સમજાવટથી કંપનીમાં રોકેલા દરેક વ્યક્તિને પૈસા પરત આપવાનું નક્કી કરેલું. બીજા ભાગની વાર્તા અહીંથી જ આગળ વધે છે. આવો નીતિમત્તા ભર્યો નિર્ણય જાહેર તો કરી દીધો, પરંતુ પ્રેક્ટીકલ રીતે એ શક્ય છે ખરા? પોતાના અને પરિવાર પર મુશ્કેલી આવી પડે ત્યારે કોઈ પણ માણસ બીજા લોકોની પરવા કરે ખરા? આ બધા સવાલોનો જવાબ તો ફિલ્મમાં મળશે જ, પરંતુ મુખ્ય વાત છે મનને કઈ રીતે જીતવું? કોઈ મોટીવેશન બુકના શબ્દેશબ્દને આ ફિલ્મમાં ખુબીથી દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મનો એક પણ ડાયલોગ જો તમે મિસ કરશો તો કઈક ગુમાવી દીધું એવું લાગશે. મનને જીતવાની વાત કરવી સહેલી છે, પરંતુ તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તે દરેક વસ્તુ ડીટેલમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મ જેટલી લાંબી છે એટલી જ વાતો આ રીવ્યુમાં કરી શકાય એટલું જ્ઞાન કદાચ ફિલ્મ જોયા બાદ તમે પણ અનુભવશો.
કોઈ કામ આપણાથી થતું નથી કે કરવું નથી એ જ સમજાઈ જાય તો મન જીતવાના રસ્તા પર તમે પહેલું ડગલું ભરી દીધું છે. આ ફિલ્મના ટ્રેલરમાં તમે ઉનાળાની સિઝનમાં આવતી કેરી નોટીસ કરી હશે. આ કેરી એક પ્રતિક છે આપના વ્યસનનું કે આપણી ખામીઓનું. હવે આપણે આને કઈ રીતે દુર કરી શકીએ? ફિલ્મમાં આ બધી વાત એટલી સહજતાથી સમજાવવામાં આવી છે કે કદાચ અમુક લોકો ચોક્કસ પોતાના વ્યસન કે ખામીથી દુર થવાના પ્રયત્નો તો જરૂર કરશે. ટૂંકમાં આ ફિલ્મ નથી અનુભવ છે, જે જ્યાં સુધી ન સમજાય વારંવાર કરવો જોઈએ. જાતે જુઓ અને બીજાને ખેંચીને થીયેટરમાં આ ફિલ્મ ચોક્કસ બતાવો. કેમકે આ ફિલ્મ પહેલા જ કહ્યું તેમ મનને જીતવાની જડીબુટ્ટી છે.
Chal Man Jeetva Jaiye 2 – Gujarati Movie Review & Box Office Collection